ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

28 ઑક્ટોબર, 2016

ધન તેરસ: કલ્યાણકારી લક્ષ્મી મેળવવાનો આજે સંકલ્પ કરીએ

ધન તેરસ: કલ્યાણકારી લક્ષ્મી મેળવવાનો આજે સંકલ્પ કરીએ

આજનો દિવસ આમ તો લક્ષ્મીજીને સમર્પિત છે. મા લક્ષ્મીની આરાધનાનો અને ધનની પૂજાનો આ દિવસ છે. આ દિવસે સોનું-ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે. આ દિવસે ધન-ધાન્ય અને સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્વ છે. લંકાપતિ રાવણે કુબેરની આ સાધના બાદ સુવર્ણલંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. ધનતેરસનું બીજું પણ એક મહત્વ છે. આ દિવસે સમુદ્રમંથનના ફળસ્વરૂપે ભગવાન ધન્વંતરિ ઉત્પન્ન થયા હોવાથી તેને ધન્વંતરિ ત્રયોદશી કે ધન્વંતરિ જયંતી તરીકે ઓળખવામાં આવે છે. આયુર્વેદ જે પાંચમા વેદ તરીકે જાણીતો છે તેના પ્રણેતા ભગવાન ધન્વંતરિની પ્રાર્થના, પૂજા અર્ચના અને ઉપાસનાનો આ દિવસ છે.

આમ તો દિવાળીને આપણે દીપાવલિ કહીએ છીએ. દીવો આ રીતે દિવાળીના તહેવારો સાથે જોડાયેલો છે, પણ દીવાની હારમાળા એટલે કે દીપાવલિ સાથે જેને પ્રત્યક્ષ સંબંધ હોય તેવો તહેવાર માત્ર ધનતેરસ છે.

પૌરાણિક કથા પ્રમાણે એક દિવસ યમરાજે યમદૂતને પૂછ્યું કે તું પૃથ્વી પર જઈને અનેકોના પ્રાણનું હરણ કરે છે તો તને ક્યારેય દુઃખ નથી થતું. યમદૂતે જવાબ આપ્યો કે ભગવાન આમ તો આ મારી ફરજ છે પણ એકવખત મને ખરેખર રંજ થયેલો. યમરાજે પૂછ્યું કે આવું ક્યારે બનેલું ? ત્યારે યમદૂતે કહ્યું કે એક વ્યક્તિ જેનાં લગ્નને માત્ર ચાર જ દિવસ થયા હતા તેના પ્રાણ મારે ધનતેરસના દિવસે હરવા પડ્યા ત્યારે મને ખરેખર અફસોસ થયો હતો. યમદૂતની આ વાત સાંભળી યમરાજે ત્યારે એવું વચન આપ્યું કે ધનતેરસને દિવસે જેને ત્યાં દીપદાન થશે એટલે કે દીવડાઓ પ્રગટાવાશે તેનો જીવનદીપ એ દિવસે બુઝાશે નહીં. મનુષ્ય અમર નથી પણ આ રીતે એક દિવસ માટે યમરાજાએ એને અમરત્વ પ્રદાન કર્યું છે.

ધનતેરસનું એક બીજું પણ મહત્વ છે. બલિરાજાના કારાગ્રહમાં પૂરાયેલાં લક્ષ્મીજી તથા અન્ય દેવોને ભગવાન વિષ્ણુએ ધનતેરસને દિવસે મુક્ત કરાવ્યાં, જેને કારણે આ દિવસે લક્ષ્મીપૂજન થાય છે. લક્ષ્મીનો અર્થ જ શુકનવંતી અને મંગલકારી સ્ત્રીસ્વરુપા દેવી છે એટલે જ કહ્યું છે કે 'યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ'

ધનતેરસ જેના દિવસે દેવતાઓના ખજાનચી કુબેર અને દિવાળી જેને દિવસે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે તે બન્ને દિવસો લક્ષ્મીની ઉપાસના માટેના ઉત્તમ દિવસો છે. એવું કહેવાય છે કે ધનતેરસ અને દિવાળીના દિવસે કરવામાં આવેલાં દાન, હવન, પૂજા અને અન્ય વિધિ-વિધાનોનું અક્ષય એટલે કે સંપૂર્ણ ફળ મળે છે. તંત્રશાસ્ત્રમાં કેટલાક ચોક્કસ પ્રયોગો દ્વારા લક્ષ્મીપ્રાપ્તિ માટેના ઉપાયો સૂચવેલા છે. કુબેરયંત્ર અથવા મહાલક્ષ્મીયંત્ર જે સંપૂર્ણ વિધિવત્ સિદ્ધ કરવામાં આવ્યાં હોય તેને ગલ્લા કે તિજોરીમાં રાખવાથી પ્રચૂર માત્રામાં ધનની પ્રાપ્તિ થાય છે. જોકે આનો ભરપૂર લાભ કેટલાક ઠગવિદ્યા કરનારા પણ ઊઠાવે છે. આ કારણથી જાહેરખબરો થકી વેચાતા આ પ્રકારનાં યંત્રો મોંઘાભાવે ખરીદનારને ધનપ્રાપ્તિ થવાને બદલે નુક્સાન થાય છે તે સમજવું જોઈએ. પરસેવો પાડ્યા વગર અને પોતાના હક્કની ન હોય તે રીતે પ્રાપ્ત કરેલી લક્ષ્મી ક્યારેય ટકતી નથી. લક્ષ્મીનાં પણ આઠ પ્રકાર છે જે નીચે મુજબ છેઃ

1. આદિલક્ષ્મી

2. ધનલક્ષ્મી

3. ધાન્યલક્ષ્મી

4. ગજલક્ષ્મી

5. સંતાનલક્ષ્મી

6. વીરલક્ષ્મી અથવા ધૈર્યલક્ષ્મી

7. વિજયાલક્ષ્મી

8. વિદ્યાલક્ષ્મી

આમ માત્ર રૂપિયાના પાઈ કે જરઝવેરાત એ જ લક્ષ્મી છે એ માન્યતા પણ ભૂલ ભરેલી છે. ધનતેરસને દિવસે ચાંદીના સિક્કા, ચાંદીના ગણપતિજી કે લક્ષ્મીજીની મૂર્તિ અને કોડી વિગેરેનું વિધિવત્ પૂજન કરી એને પોતાના દેવમંદિરમાં કે તિજોરીમાં રાખી શ્રીલક્ષ્મી એટલે કે કલ્યાણકારી લક્ષ્મીની કામના કરવી જોઈએ.