ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

17 નવેમ્બર, 2015

ગિરનારની પવિત્ર લીલી પરિક્રમાનું શા માટે છે મહત્વ

ગિરનાર પર્વત ગરવા સોરઠની આગવી ઓળખ છે. ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. દર વર્ષે કારતક સુદ એકાદશીથી પૂનમ સુધી લીલી પરિક્રમા યોજાય છે જેમાં હજારો-લાખોની સંખ્યામાં લોકો જોડાય છે.

એવું માનવામાં આવે છે કે અહીં તેત્રીસ કરોડ દેવો તેમજ ચોર્યાસી સિદ્ધોની બેઠક છે. જૈન મહાત્માઓ પણ અહીં વસે છે. એક લોકવાયકા પ્રમાણે અહીં દિવ્ય આત્માઓ, સિદ્ધ પુરુષો ઉપરાંત રાજા ગોપીચંદ, અશ્વત્થામા તથા માર્કંડેય ઋષિ, બલિ રાજા નિઃશરીરરૂપે હજુ અહીં વિચરણ કરે છે. અનેક સંત-મહાત્માઓએ ગિરનારની પરિક્રમા કરી છે, પરંતુ પરિક્રમા ક્યારથી શરૂ થઈ તેનો ચોક્કસ ઇતિહાસ પ્રાપ્ત થતો નથી.

ઈ.સ. 1864ના જૂનાગઢના દીવાન અનંતજી અમરચંદ વસાવડાએ ગિરનારની પરિક્રમા માટે કેટલાક લોકોને મોકલ્યા. ત્યારબાદ પરિક્રમા શરૂ થયાનું કહેવાય છે. તો વળી જૂનાગઢના બગડું ગામના અજા ભગતે પરિક્રમા શરૂ કર્યા બાદ તેમાં કેટલાક સેવાભાવી લોકો જોડાયા હોવાનું પણ કહેવાય છે. એક કથા પ્રમાણે ગરવા ગિરનારની પરિક્રમા શરૂ કરાવનાર અજા ભગત દામોદર કુંડમાં નહાવા ગયા ત્યારે દામોદર કુંડની બાજુમાં આવેલા એક બાવાજીના આશ્રમમાં ગિરનારનો મહિમા વર્ણવતું પુસ્તક વંચાતું હતું. ગ્રંથમાં વર્ણવાયેલા ગિરનારના મહિમાથી અજા ભગત ખૂબ જ પ્રભાવિત થયા અને બાવાજી પાસે એ પુસ્તક તેમણે વાંચવા માટે માંગ્યું, પરંતુ બાવાજીએ તેમને મૂળ પુસ્તક નહીં, પણ હસ્તલિખિત પુસ્તક આપ્યું. તેમાંથી અજા ભગતે શોધી કાઢયું કે કારતક સુદ એકાદશીથી પૂનમ એમ પાંચ દિવસ ભીષ્મ પંચક વૃત્તારંભ થાય છે. દેહ પડી જાય ત્યાં સુધીમાં જો પ્રતિજ્ઞા કરી ભીષ્મ પંચક વૃત્તારંભમાં ગિરનારની પરિક્રમા કરવામાં આવે તો સારું ફળ મળે છે. આજેય પણ પરિક્રમામાં અજા ભગતની જય બોલાય છે. અજા ભગતે જીવનભર સાચા અર્થમાં લોકોની સેવા કરી હતી. તેમની સમાધિ જૂનાગઢની પાસે આણંદપર ગામના રસ્તે આવેલી છે.

ગિરનાર પર્વત ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. તે જૂનાગઢથી 5 કિલોમીટર દૂર આવેલો છે. તે પર્વત જાણે સમાધિસ્થ યોગીરાજ સૂતા હોય તેવી મુદ્રામાં દૃશ્યમાન થાય છે. યોગીરાજ જેવા ભાસતા પર્વતની પરિક્રમા કરીને શ્રદ્ધાળુઓ તેમની શ્રદ્ધા વ્યક્ત કરે છે. ગિરનારની પરિક્રમાના બે પાવન પથ છે. જેનું પ્રસ્થાન ભવનાથ નામની જગ્યાએથી થાય છે અને છેલ્લે દૂધવન ખોડિયાર મંદિર નામનું છેલ્લું સ્થળ આવે છે અને પછી ભવનાથ. આમ પરિક્રમા પૂરી કરવામાં આવે છે. આ પરિક્રમાનો પથ 42 કિલોમીટર જેટલો લાંબો છે. પરિક્રમામાં સંતવાણીનો લહાવો પણ લોકોને મળે છે.